/*----------------------------------------------------- Script for AdSense -----------------------------------------------------*/ /* */ /* Footer ----------------------------------------------- */ #footer { clear: both; text-align: center; color: #333333; } #footer .widget { margin:.5em; padding-top: 20px; font-size: 85%; line-height: 1.5em; text-align: left; } /** Page structure tweaks for layout editor wireframe */ body#layout #header { width: 750px; } -->

Thursday, January 21, 2010

નીતિનાશને માર્ગે (ભાગ:1) - ગાંધીજી

[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ! પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]

[1] સંયમને શાની જરૂર હોય ?

એક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી ? પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને ? આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’


એ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.

[2] કામરોગનું નિવારણ

વિવાહ વિષેના થર્સ્ટન નામે લેખકના નવા પુસ્તકના મુખ્ય ભાગનો અનુવાદ પરિશિષ્ટમાં છાપ્યો છે તેનું ધ્યાનપૂર્વક મનન દરેક સ્ત્રીપુરુષ કરે એ ઈચ્છવાજોગ છે. આપણામાં પંદર વર્ષના બાળકથી માંડી પચાસ વર્ષના પુરુષમાં અને બાળક અથવા તેથી નાની વયની બાળાથી માંડી પચાસ વર્ષ લગીની સ્ત્રીમાં એવી કલ્પના રહેલી છે કે વિષયભોગ વિના રહી જ ન શકાય. તેથી બંને એની માટે લાલાયિત રહે છે. એકબીજાનો વિશ્વાસ નથી કરતાં અને સ્ત્રીને જોતાં પુરુષ વિષયભોગની દષ્ટિએ આકર્ષિત થઈ જાય છે અને સ્ત્રી પુરુષને જોઈને તેવી થઈ જાય છે. આથી કેટલાક રિવાજો એવા પડી ગયા છે કે જેથી સ્ત્રીપુરુષો નમાલાં, રોગી ને નિરુત્સાહી જોવામાં આવે છે, ને આપણી જિંદગી મનુષ્યને ન શોભે એવી હલકી થઈ પડી છે.

વાસ્તવિક રીતે મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી તેનામાં પશુના કરતાં વધારે ત્યાગશક્તિ ને સંયમ હોવાં જોઈએ. છતાં પશુ નરમાદાની મર્યાદાનો પ્રકૃતિનો જેટલો કાયદો પાળે છે એટલો મનુષ્ય નથી પાળતો, એ આપણે રોજ અનુભવીએ છીએ. શાસ્ત્રો તો પોકારીને કહે છે કે વિષયભોગ કેવળ પ્રજોત્પત્તિને માટે જ કરાય. આ આજ્ઞાનું ઉલ્લંઘન પ્રતિક્ષણ કરવામાં આવે છે, અને રોગો થાય ત્યારે એનાં બીજાં કારણો શોધવામાં આવે છે ! વિવાહ એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ વિવાહ થયા એટલે પહેલી જ રાત્રે દંપતિએ ભોગમાં આળોટીને જિંદગી બરબાદ કરવાનો પાયો ન ખોદવો જોઈએ.

[3] કામ કેમ જિતાય ?

વિકારને જીતવાનો પ્રયત્ન કરનાર એક વાચકે મને લખ્યું કે : ‘આપની ‘સત્યના પ્રયોગો’ વાંચી. આપે કોઈ પણ બાબત છૂપી રાખી નથી તેથી હું પણ આપની આગળ કંઈ છૂપું રાખવા માંગતો નથી. આપની ‘નીતિનાશને માર્ગે’ ચોપડી પણ વાંચી, તેથી વિષયોને જીતવાનું ખાસ કારણ મળ્યું. પરંતુ આ વિષયવાસના એવી ખરાબ છે કે સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગ્રંથો વાંચવાનું ચાલુ હોય ત્યારે કાબૂમાં રહે છે પરંતુ જેવું વાંચન બંધ થયું કે પાછું એ ભૂત મન પર સવાર થઈ જાય છે. આંખ, નાક, કાન કે જિહ્વાને તો જીતી શકાય પણ એ સિવાયની જે ઈન્દ્રિય છે એ તો કાબૂમાં જ નથી રહેતી. હું સાત્વિક આહાર રાખું છું, એક વખત જમું છું, રાત્રે દૂધ પર જ રહું છું છતાં કોણ જાણે કેમ આ વિકારો અને એના વિચારો કેમેય કર્યા નાબૂદ થતા નથી. એનું કારણ મને સમજાતું નથી. મને આપના ‘નવજીવન’ અખબાર દ્વારા જવાબ આપશો. ઘણા વખતથી આપને પૂછવામાં સંકોચ થતો હતો, પરંતુ આપના આત્મવૃત્તાંતની ચોપડી વાંચ્યા પછી લાગ્યું કે સદમાર્ગે જવામાં જે મુશ્કેલીઓ જણાય તે પૂછવામાં શરમ ન રાખવી જોઈએ.’

મેં એ ભાઈને લખ્યું : ‘જે સ્થિતિ આપની છે તે ઘણાઓની છે. કામને જીતવો મુશ્કેલ છે, અશક્ય નથી. પણ જે કામને જીતે છે એ સંસારને જીતે છે અને તરે છે એવો ઈશ્વરનો કોલ છે. આ બાબતમાં ધીરજની જરૂર છે. અભ્યાસમાં જેટલી ધીરજની જરૂર હોય એના કરતાં અનેકગણી ધીરજની જરૂર આ બાબતમાં છે. આ તો થઈ ધીરજની વાત. પણ કામને જીતવાના ઉપચાર વિષે પણ આપણે એટલા જ ઉદાસીન રહીએ છીએ. સામાન્ય રોગને મટાડવા માટે અનેક ડૉક્ટરો પાસે જઈએ છીએ પરંતુ આ કામરૂપી મહારોગ માટે આપણે કોઈ ઉપચાર કરતા નથી. હકીકતે તો આપણને આ વિકારો મટાડવાની ખરા દિલથી ઈચ્છા જ નથી. શિથિલતાને આપણે સ્વીકારી લીધી છે. એ વાત સાચી છે કે નિરાહારી વ્યક્તિના વિકારો શમે છે પરંતુ અંતે તો આત્મદર્શન વિના આસક્તિ જતી નથી. પણ તેથી કંઈ નિરાહાર રહેતાં થાકવું નહીં. મન, વચન અને કાયાનો સહયોગ હોવો જોઈએ. એ હોય તો વિકારો શાંત થાય જ. પણ નિરાહારના પહેલાં બીજાં પગલાં ઘણાં બાકી છે. એ લેવાતાં વિકારો શાંત નહીં થાય તો ઢીલા તો પડશે જ. ભોગવિલાસના પ્રસંગમાત્રનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રત્યે અભાવ કેળવવો જોઈએ. એવા ચિત્રો અને સાહિત્યથી દૂર રહેવું જોઈએ જે આપણામાં રહેલી આ વૃત્તિઓને ઉત્તેજે. જે જે વસ્તુથી વિકાર ઉત્પન્ન થાય તેનો ત્યાગ કરવો જોઈએ.

આહારનો પ્રશ્ન આને અંગે બહુ વિચારવા જેવો છે. એ ક્ષેત્ર અણખેડાયેલું છે. મારી માન્યતા એવી છે કે વિકારોને શાંત કરવા ઈચ્છનારે ઘીદૂધનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફળો અને ઘણી લીલોતરી વગરરાંધેલી ખાઈ શકાય. મીઠાઈમસાલા વગેરેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આટલું સૂચવ્યાં છતાં હું જાણું છું કે, ખોરાકથી જ કંઈ બ્રહ્મચર્યની પૂરી રક્ષા થઈ શકતી નથી. પણ વિકારોત્તેજક ખોરાકને ખાતાં છતાં માણસ જો બ્રહ્મચર્યના પાલનની આશા રાખે તો એ વ્યર્થ છે.

[4] વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ

બ્રહ્મચર્યનો તાત્કાલિક લાભ યુવાનો વધારે જોઈ શકશે. સ્મૃતિ સ્થિર અને સંગ્રાહક બને છે, બુદ્ધિ તેજસ્વી અને ફલવતી બને છે. સંકલ્પશક્તિ બળવાન બને છે અને તેના ચારિત્ર્યમાં એવો રણકાર આવી જાય છે જેવો ભોગવિલાસમાં જીવનારના સ્વપ્નમાંયે ન હોય. એની દષ્ટિ જ એવી પલટાઈ જાય છે કે પોતાની આસપાસની વસ્તુઓ પણ તેને ઈશ્વરરૂપ ભાસે છે. સંયમિત જીવન જીવનાર યુવકના આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતાયુક્ત આત્મશ્રદ્ધા ક્યાં અને વિષયોના દાસ બનેલા વ્યક્તિના અશાંતિ અને ઉન્માદ ક્યાં ? ભોગોના વિચારોમાં ડૂબેલો માનવી આંતરિક રીતે નબળો પડતો જાય છે. ક્યાં બ્રહ્મચારીનું સુદ્રઢ નિરોગી શરીર અને ક્યાં સ્વેચ્છાચારીનું સડેલું, રોગધામ શરીર !

એક સમાજશાસ્ત્રના વિદ્વાન આ બાબતે એમ કહે છે : ‘સમાજજીવન જ એવી અખંડ-સજીવ-વસ્તુ છે જેમાં સ્વતંત્ર અને વ્યક્તિગત કહેવાય એવી એકે પ્રવૃત્તિ નથી. ગમે તે કાર્ય કરીએ તેનો પડઘો અજાણી અને અકલ્પ્ય દિશાઓમાં ફેલાય છે. મનુષ્યના મનુષ્યત્વમાં જ તેનું સામાજિક હોવાપણું રહેલું છે. એકેય એવું ક્ષેત્ર નથી – ધર્મ, રાજ્ય, સમાજ – કે જેમાં વ્યક્તિના કાર્યની અસર આખા સમાજ પર પડતી ન હોય. માણસના દરેક કાર્યની અસર આખા સમાજ પર પડતી હોય છે, પછી ભલે ને એ કાર્ય ગમે એટલું ગુપ્ત કેમ ન હોય. જો માણસને અમુક સંજોગોમાં રસ્તા પર થૂંકવાની છૂટ ન હોય તો તેને તેના વીર્યને જ્યાં ત્યાં વાપરવાની છૂટ શી રીતે હોઈ શકે ? એ કાર્ય જેટલું મહત્વનું છે તેટલી જ સમષ્ટિના ઉપર એની વધારે અસર પડે છે. એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે. દેશ-દેશ પ્રજા-પ્રજાને માનવતાનું અખંડ તત્વ એવી રીતે બાંધી લે છે કે ગમે તેટલું ગુપ્ત કાર્ય ગમે તેવી અભેદ્ય દીવાલોને ભેદીને અને ગમે તેવી વિશાળ સીમાઓને ઓળંગીને બહાર નીકળશે. ગર્ભાધાન અટકાવવાનો અને વિષયભોગને ખાતર જ પોતાના વીર્યનો ઉપયોગ કરવાનો હક પ્રતિપાદન કરનાર યુવાન ઈચ્છાએ કે અનિચ્છાએ સમાજમાં અવ્યવસ્થા અને કુસંપનાં બીજ વેરે છે. મનુષ્ય પોતાના કૃત્યની જવાબદારીમાંથી ખસી નહીં જાય એ વાત ઉપર જ આખું સમાજનું મંડાણ મંડાયેલું છે. તે માણસ પોતાની જવાબદારીમાંથી નીકળી જઈને સમાજની વ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે, અને સમાજનો ચોર બને છે.’

[5] ઉપસંહાર

મિ.હેર નામના વ્યક્તિએ આ બાબતો વિશે ઘણી સુંદર વાતો લખી છે. તેઓ કહે છે કે : ‘નિરંકુશ વિષયાસક્તિથી કેટલું ભયંકર નુકશાન થાય છે એ આપણે વિચારવાનો વિષય છે. પ્રજોત્પતિનું વેર મરણમાં વળે છે. વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે – પુરુષની ભોગની ક્રિયામાં અને સ્ત્રીઓમાં સંતતિપ્રસુતિની ક્રિયામાં. સંયમિત જીવન જીવનાર માણસ વીર્યવાન, પ્રાણવાન અને નીરોગી હોય છે. આંતરિક શક્તિનો કેવળ ભોગમાં વ્યય થાય તો ધીમે ધીમે શરીરના અવયવોની શક્તિ ઘટશે અને ધીમે ધીમે શરીરનો નાશ જ થતો જશે.’ આ લેખક સંતતિનિયમનના સાધનોની પણ વિરુદ્ધ છે. તેઓ લખે છે કે : ‘એ સાધનોને પરિણામે પોતાનો સંયમ રાખવાની શક્તિ ઘટશે અને વિવાહિત જીવનમાં બુઢાપાની અશક્તિ આવે અને વિષયેચ્છા બંધ થાય ત્યાં સુધી ભોગોને તૃપ્ત કરવાનું ચાલુ રખાય છે. લગ્નની બહાર પણ એની દુષ્ટ અસરો તો પહોંચ્યા વિના રહેવાની નથી જ – એનાથી અનિયમિત અને નિરંકુશ વ્યભિચારોનું દ્વાર ઉઘડે છે અને આવા વ્યભિચાર તો આધુનિક ઉદ્યોગ, સમાજશાસ્ત્ર અને રાજકાજની દષ્ટિએ અતિશય ભયંકર છે. એટલું જ કહેવું બસ થશે કે ગર્ભનિરોધક ઉપાયો લગ્ન બાદ અતિશય સંભોગ અને અવિવાહિત દશામાં વ્યભિચાર સહેલો કરી મૂકે છે અને મારી શરીરશાસ્ત્રની ઉપરની દલીલો સાચી હોય તો તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને પારાવાર હાનિ રહેલી છે.’

મૉ. બ્યૂરો પોતાના પુસ્તકને જે વાક્યથી ઉપસંહાર કરે છે તે દરેક યુવકે પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે : ‘ભાવી સંયમી અને સતપ્રતિષ્ઠિત પ્રજાઓને જ હાથ છે.
[કુલ પાન : 109. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-14 તેમજ અન્ય તમામ ગાંધીસાહિત્યના પુસ્તક વેચાણકેન્દ્રો પરથી પ્રાપ્ય.]

You can read the same post from:
http://www.readgujarati.com/2010/01/20/niti-nash/

No comments: