ડોક્ટરે છેલાને બહાર બેસવા કહ્યું. ડોસો દેવની મૂર્તિ સામે બેઠો હોય એમ ડોક્ટરને કરગરી પડ્યો. બારણા બ્હાર ફીક્કી નજર નાખીને ડોસાએ ધીમેથી પૂછ્યું : ‘દાગતર સા’બ, ઈને ખઈ રોગ (ક્ષય રોગ) તો નથ્ય ને ?’
ડૉક્ટરનો હકાર સાંભળીને ડોસાના પગ ભાગી ગયા. ધ્રૂજતે હાથે પ્રીસ્ક્રીપ્શન લઈને તે દીકરા પાસે આવ્યો. શિશિરના પાંદડા જેવો એનો ચહેરો જોઈને ડોસો એને ‘ઉઠ બેટા’ એટલું પણ ન કહી શક્યો. બન્ને ઘેર આવ્યા. પાછલી પછીતે છાણાં થાપતી છેલાની મા દોડી આવી. ડોસાનું પડી ગયેલું મ્હોં જોઈને એની ઘરડી આંખનો ખૂણો ભીનો થયો.
ડોસો ત્યાં ઝાઝું ન ટકી શક્યો. ઘરમાં જઈ થોડુંક ઊભો રહ્યો અને બારણા પાછળથી લાકડી લઈને….. ‘ફકર્ય ચંત્યા ન કરતી…’ એમ બબડતો બબડતો પરસાળમાં આવ્યો. ઘરમાં ફૂટી કોડી ય નહોતી. દવા વગર છેલો નહીં બચે. આજે ચુંગી સળગાવવાનું પણ મન થતું નહોતું. પાંગેથ પર છેલાની મા બેઠી હતી. ઘેટું બેઠું હોય એવી ગરીબ. અચાનક ડોસાને ઈલાજ સૂઝ્યો. ખીંટીએથી કેડિયું ઉતાર્યું, પહેર્યું. પછેડીને છેડે પ્રીસ્ક્રીપ્શન બાંધ્યું અને વાડા પાસે આવ્યો. એને ઝાંપલી આગળ ઊભેલો જોઈને ઘેટાં બેંબેં કરવા લાગ્યાં. ડોસે વાડામાંથી નબળાં જોઈને બારેક ઘેટાં કાઢ્યાં. અને તેમને લઈને નીકળી પડ્યો….
ધૂળિયા રસ્તા પરથી સડક પર પગ મૂકતાં જ તે દાઝ્યો. સૂરજ માથે ચડતો હતો. એ ઘણીવાર શહેરમાં ઘરવખરી લેવા જતો. કતલખાના પાસેથી ઘણીવાર ગુજર્યો હતો અને તેની આંખમાં ખુન્નસ ઝલપાતું. એ ઘેટાં લઈને છેક કતલખાનાના ઝાંપા આગળ આવી ઊભો. ઝાંપે ઊભેલા માણસને કગર્યો.
‘એ બાપલિયા, ઘર્યે સોકરો ખઈમાં રિબાય સે, પાંહે દવા લાવ્યાનો પૈસો નથ્ય, આ….’ ઘેટાં ભણી જોઈને એણે નજર વાળી લીધી. ઘેટાં છેક વાડેથી પૂંઠે પૂંઠે આવ્યા અને કોણ જાણે શીય મરવાની ગંધ આવી કે ઝાંપો જોઈને ચૂપ થઈ ગયાં. સોદો નક્કી થયો. ડોસે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢ્યું, એના પર દુ:ખી હાથ ફેરવી જોયું અને પછી એક એક ઘેટાને નજરમાં ભરી લીધું.
બધાંને અંદર ધકેલવા એણે ડાંગ ઊંચકી. એકેય ઘેટું ઝાંપાની અંદર પેસવા તૈયાર ન થયું. જિંદગીમાં પહેલીવાર ડોસાએ આ અચરજ દીઠું. ‘મુઆ સેંમાડે હતાં ત્યાણે તો બેંબાકરો કરી મેલતાં’તાં, ને નખ્ખોદિયાંને અસાનક આ શું હુઝ્યું કે ચૂપ થઈ ગયાં !’ પોતાને ડચૂરો ભરાય એ રીતે એણે ડાંગ વીંઝી. ભયાનક શાંતિ બારેય ઘેટાં પર તોળાઈ રહી. અંદરથી બીજા ત્રણ-ચાર જણ ડાંગો લઈ લઈને હડી આવ્યા ત્યારે તો ડોસાની આંખો લગભગ પલળી જ ગઈ ! ‘રહેવા દો…..રહેવા દો….ઈયાંને….’ બોલતો બોલતો એ જ ઘેટાં પહેલાં કતલખાનામાં પેઠો. અંદર ખુલ્લા ચોકમાં લીમડીનું ઝાડ હતું. એના છાંયા નીચે જઈને ડોસો ઊભો. સીમના વૃક્ષ નીચે ઊભો હોય એમ એણે ‘હિયોહ’ કર્યું. તોય એકે ઘેટું અંદર ન પેઠું. એને રડવું આવે એવી ખીજ ચડી. ઝાંપા લગી તે આવે તે પહેલાં પેલા માણસો બચારાં પર તૂટી પડ્યા. ઘેટાં બેંબાકરો કરવા મંડ્યા. ડોસો ઘડીક લીમડી નીચે ને ઘડીક ઝાંપા તરફ આવે-જાય, ને છેવટે ડાંગોની તડી સહી ન જતાં બચારાં ઘેટાંને લાગ્યું કે આના કરતાં તો મોત સારું. બાપડાં બધાંય એક એક કતલખાનામાં પેઠાં. બાપ વગરનાં છોકરાં જેવાં ઘેટાંને લીમડા નીચે આવતાં ડોસાને સીમની ખુલ્લાશ સાંભરી. બધાંય એની ચોતરફ. બધાંય જાણે એને વળગી પડ્યાં.
….ને અચાનક ડોસે રાડ પાડી અને તે ઝાંપા બ્હાર નીકળી પડ્યો. ‘હિયોહ’ કરતો લગભગ બોલી ઊઠ્યો, ‘એકને સારું બારેયને ગરદન નથ્ય મારવો…’ ક્ષણવારમાં તો બધાંય ઘેટાં ખુલ્લી સડક પર આવી ઊભાં. એક તો દોડી ગયું છેક આગળ… મુક્તિનો આનંદ એમનાં ગળામાં ઘૂંટાવા લાગ્યો. આ જોઈને ડોસે થોડેક છેટે જઈને આગલા ઘેટાને ઊંચકી લીધું. મરવાના વાંકે ખાટલીમાં સૂતેલા છેલાને ઊંચકતો હોય એમ એને બચીઓ કરી. પછી શુંય સૂઝ્યું કે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢીને ફાડી નાખ્યું અને નાક લૂછતો લૂછતો ઘરની વાટે ચડી ગયો…
source : read gujarati
Wednesday, February 3, 2010
પ્રીસ્ક્રીપ્શન
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
i really like your stories its awesome afta a long time i got to read something touches to my heart
Arpit, Thanks for your comment, but this is not my story. I copy+pasted this from Read Gujarati. I just wanted to translate it in English. so, just added it in my collection. I will find the exact details about autors and all from Read Gujarati and will update it here.
Post a Comment