સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
આ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે આપણે ક્રોધથી ભરેલાં માનવીઓ જો મૌનની ઉપયોગિતા સમજીએ તો જગતની લગભગ અડધી આપત્તિ ઓછી થઈ જાય. આધુનિક સુધારો આવી પડ્યો તે પહેલાં ચોવીસ કલાકમાંથી પાંચ-છ કલાક તો શાંતિના આપણને મળતા જ હતા. આધુનિક સુધારાએ આપણને રાતનો દિવસ કરતાં ને સુવર્ણસમ શાંતિને બદલે પાર વિનાનાં હોહા ને શોરબકોર કરતાં શીખવ્યું. આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઈશ્વરી રેડિયો તો હંમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવા માટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી.
ખ્રિસ્તી સંત ટેરેસાએ મૌનના સુંદર પરિણામનું સરસ વર્ણન કરતાં કહ્યું છે : ‘તમારી બધી ઈન્દ્રિયો એકદમ ભેગી મળીને એકતાન બનતી તમને લાગશે; મધમાખો મધપૂડામાં પાછી ફરીને મધ બનાવવાનું કામ કરવા પુરાઈ રહે એના જેવી એ લાગશે : અને આને સારુ તમારે પ્રયત્ન કે કાળજી નહીં કરવા પડે. આમ તમારો આત્મા પોતા પ્રત્યે જે બળજબરી કરે તેનું સુફળ ઈશ્વર તેને આપે છે; અને તેને ઈન્દ્રિયો પર એટલું પ્રભુત્વ આપે છે કે એ આત્મા જ્યારે સ્વસ્થ, અંતર્મુખ થવા માગે ત્યારે એક નિશાની કરતાંવેંત ઈન્દ્રિયો એનું માની જાય છે ને બાહ્ય વસ્તુઓ પરથી પાછી વળીને અંતર્મુખ બની જાય છે. સંકલ્પનું બળ પહેલી વાર અજમાવતી વખતે તે જલદી જલદી પાછી ફરે છે. આખરે, એવા ઘણા પ્રયત્ન પછી, ઈશ્વર એ ઈન્દ્રિયોને સંપૂર્ણ સમત્વ અને સંપૂર્ણ નિદિધ્યાસનની સ્થિતિએ પહોંચાડે છે.’
એ મૌન મારા શરીર તેમ જ આત્માને બંનેને આવશ્યક થઈ પડ્યું છે. મૂળ તો મનનો બોજો હળવો કરવાને એ લીધેલું. વળી મારે લખવાને સારુ વખત જોઈતો હતો. પણ કેટલાક વખત સુધી મૌન રાખ્યા પછી મેં એની આધ્યાત્મિક ઉપયોગિતા જોઈ. મારા મનમાં એકદમ ઝબકારાની પેઠે ઊગી આવ્યું કે એ વખતે હું ઈશ્વરપ્રણિધાન સારામાં સારું કરી શકું છું અને હવે મને લાગે છે કે મૌન મારે સારુ સ્વભાવસિદ્ધ વસ્તુ છે. મારા જેવા સત્યના શોધકને સારુ મૌન મોટી મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે અને પહેલાં મનની પકડમાંથી સરી જતું તેમ જ ભ્રામક ભાસનારું ઓગળીને સ્ફટિક જેવું સાફ સૂઝવા લાગે છે. આપણું જીવન સત્યની લાંબી તેમ જ કઠણ ખોજના સ્વરૂપનું છે અને આત્માને પોતાના સંપૂર્ણ ઉચ્ચ સ્વરૂપને પામવાને અંતરની નિરાંત ને આરામની જરૂર રહે છે.
Source: ‘સત્ય એ જ ઈશ્વર છે’ by Gandhiji
Tuesday, February 2, 2010
મૌનનો મહિમા - ગાંધીજી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment