નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.
આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે.
તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.
મંદાકિની દ્રવિડે તેમનાં ગાઈડ સુનંદા કૌશિકના માર્ગદર્શન હેઠળ ‘મેડિકલ ઍન્ડ સાઈકિયાટ્રિક સોશિયલ પ્રેક્ટિશનર્સ પ્રોસેસ ઍન્ડ એનાલિસિસ’ વિષય પર થિસિસ લખ્યો છે અને વધુ મહત્વની વાત એ છે કે આખો થિસિસ તેમના અંગત અનુભવો પર આધારિત છે અને તેમાંનો એક ફકરો પણ કોઈ સંદર્ભ સામગ્રીમાંથી લેવાયો નથી. આજે પૂણે સ્થિત એન્જિનિયરિંગ અને એનર્જી કંપની ‘થર્મેક્સ’ સાથે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં મંદાકિની કહે છે, ‘મારા ચાલીસ વર્ષના અનુભવોને કારણે થિસિસ પૂરો થઈ શક્યો. મેં જે કંઈ કામ કર્યું છે એ સંપૂર્ણ અધિકૃત છે અને મારાં ગાઈડના સતત પ્રોત્સાહનને કારણે એ બધું શક્ય બની શક્યું છે. તેમણે જ મને કહ્યું કે મારી પાસે જે અનુભવો છે તે કાગળ પર ઊતરવા જોઈએ, જેથી નવી પેઢીને તે કામમાં આવી શકે અને તેમના માટે માર્ગદર્શન રૂપ બની શકે. એટલે આ કામ કરતી વખતે મારી ઉંમર તેમાં જરાય અવરોધક બની નહોતી કારણ કે મારી પાસે જે અનુભવોનું ભાથું છે અને જે કંઈ મારા દિમાગમાં છે એ બધું જ કાગળ પર અવતર્યું છે.’
આફત અને ઉંમર દઢ સંકલ્પને કશું કરી શકતાં નથી એનું મંદાકિની દ્રવિડ જીવંત ઉદાહરણ બની ગયાં છે. પરિસ્થિતિને આધિન કે નસીબમાં માંડ્યું છે તેમ માનીને જીવવાનું તેમણે કદી મંજૂર રાખ્યું નહિ. તેમણે ક્યા સંજોગોમાંથી પસાર થઈને આ સિદ્ધિ મેળવી અને કેવો કેવો સંઘર્ષ કર્યો એ જાણ્યા પછી આ વાત વધુ સારી રીતે સમજી શકાય.
મંદાકિની માત્ર તેર વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં એમને માથે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. લગભગ સાતેક દાયકા પહેલાંના સમાજમાં એક ગરીબ પરિવારની કિશોરીની કલ્પના કરી જુઓ. માતા, બે નાના ભાઈઓ, દાદી અને કાકી એ બધાંનો આધાર આ તેર વર્ષની છોકરી હતી. એ કમાય તો કુટુંબ ખાઈ શકે એવી સ્થિતિ હતી. આથી એણે સ્થાનિક જિલ્લા કલેકટરની કચેરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેણે શાળાને તિલાંજલિ આપવી પડી. એકાદ વર્ષ તો મહિનાના 25 રૂપિયાના પગારે એણે નોકરી કરી. તેની મહેનત જોઈને તેના મામા પ્રભાવિત થયા. તેમણે થોડી આર્થિક મદદ કરવા માંડી એટલે મંદાકિનીએ ફરી ભણવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1945નું એ વર્ષ હતું. તેઓ 16 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનાં લગ્ન કરી દેવાયાં. તેમનો પતિ હથિયારોની ફેકટરીમાં કામ કરતો હતો. આ લગ્નજીવનના પરિપાક રૂપે 1949માં તેઓ એક પુત્રનાં માતા બન્યાં. તેનું નામ દિલીપ રખાયું. દરમ્યાનમાં તેમના લગ્નજીવનની નાવ સતત હાલકડોલક થતી રહેતી હતી. પુત્રની માતા બન્યા પછી પણ લગ્નજીવનનું ગાડું કોઈ રીતે થાળે પડે એવું ન લાગતાં છૂટાછેડા લઈ લીધા.
1949ના એ વર્ષે જ તેમણે પૂણેની સાસુન હોસ્પિટલમાં જુનિયર કારકુનની નોકરી મેળવી લીધી. તેઓ નોકરીએ જતાં ત્યારે બાળકની સંભાળ દાદી અને માતા રાખતાં. હોસ્પિટલમાં દર્દીઓની પથારીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરવા સાથે તેમણે ફરી ભણવાનું ચાલુ કર્યું અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્થાતક થયાં. હોસ્પિટલમાં પોતાના કામ દરમ્યાન તેઓ દર્દીઓની વેદના અને એકલતાના જગતમાં વધુ ઊંડા ઊતર્યાં. તેને એમ થતું કે આ દર્દીઓની માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. માત્ર એમના માટે એલોપથી દવાઓ જ પૂરતી નથી. એ પછી એમણે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના જીવનમાં રસ લેવા માંડ્યો. 1959માં તેમણે બે વર્ષની રજા લીધી અને મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીઝમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. 1962માં ફરી પાછાં દર્દીઓની વચ્ચે આવેલાં મંદાકિનીને લાગ્યું કે માનસિક રીતે બીમાર દર્દીઓના કિસ્સાઓમાં પશ્ચિમના સિદ્ધાંતો ભારતીય પ્રશ્નોનો પૂરી રીતે ઉકેલ આપી શકે તેમ નથી. એથી તેમણે માનસિક રીતે બીમાર દર્દીઓને કેવી સારવાર આપવી જોઈએ એ વિષે સંશોધન શરૂ કર્યું. તેમના સંપર્કમાં જે દર્દીઓ આવતા તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિઓનો પણ તેઓ અભ્યાસ કરતાં ગયાં. તેમના ધ્યાનમાં એવી ઘણી બાબતો આવતી ગઈ જે દર્દીની જે તે બીમારી સાથે દેખીતી રીતે સીધી સંકળાયેલી ન લાગતી હોય પણ કોઈક સ્તરે તે માટે જવાબદાર તો હોય જ.
મંદાકિનીએ 1964માં ગરીબ દર્દીઓને બ્લડ ડોનેશન અને આર્થિક તથા દવાઓની મદદ કરી શકાય તે માટે ‘સોસાયટી ઑફ ધ ફ્રેન્ડઝ ઑફ સાસુન હોસ્પિટલ’ની સ્થાપના કરી. હોસ્પિટલે તેના માટે જરૂરી જગ્યાની વ્યવસ્થા કરી આપી અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેને માટે ફંડ ઊભું કરવા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કર્યું અને દાતાઓ પાસે ટહેલ નાંખી. 1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં. હોસ્પિટલમાં નવજાત બાળકોને તરછોડી જવાના કિસ્સા વધી રહ્યા છે એ ધ્યાન પર આવતાં 1974માં એક અનાથાલય અને દત્તક કેન્દ્ર ‘શ્રી વત્સ’ શરૂ કરવા તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવ્યા. સાસુન હોસ્પિટલમાં મંદાકિની દ્રવિડની સેવાઓની અને પ્રવૃત્તિઓની એવી સુવાસ ફેલાયલી છે કે તેમના વિચારને તરત અમલમાં મૂકી દેવાય છે. આજે ‘શ્રીવત્સ’ પૂણેનું એક અગ્રણી દત્તક કેન્દ્ર બની ગયું છે.
સાસુન હોસ્પિટલમાંથી 1985માં તેઓ નિવૃત્ત થયાં પછી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે થર્મેક્સમાં જોડાયાં. કંપનીનાં ચેરપર્સન અનુ આગાએ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તેમની ઈચ્છા હોય ત્યાં સુધી તેઓ તેમનું આ કામ ચાલુ રાખી શકે છે. આજે આ કામ કરતાં પણ તેમને લગભગ અઢી દાયકા થવા આવ્યા છે. થર્મેક્સમાં પાર્ટ ટાઈમ જોડાવા સાથે મંદાકિની મુક્તાંગન રિહેબિલિટેશન સેન્ટર ફોર ડ્રગ એડિક્સ, કોઢવા, લેપ્રસી હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ સાથે પણ કામ કરતાં રહ્યાં. એ દરમ્યાન કંપનીના સેંકડો કર્મચારીઓના દારૂની લતથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં તેઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સુનંદા કૌશિક મંદાકિનીનાં સહાધ્યાયી રહી ચૂક્યાં છે. મંદાકિની 40 વર્ષનો જે અનુભવ ધરાવે છે તેનો ભાવિ પેઢીને પણ લાભ મળે તે માટે થિસિસ લખવા તેમને પ્રેર્યાં. પોતાનું કામ ચાલુ રાખવા સાથે આ નવું કામ પણ શરૂ કરી દીધું. એ દરમ્યાન 2002માં તેમના પુત્રનો કેન્સરે ભોગ લીધો. પુત્રના કસમયના મોતે તેમને હચમચાવી દીધાં, પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ફરી દિવસે થર્મેક્સનું કામ અને રાત્રે થિસિસનું કામ કરવામાં લાગી ગયાં.
તેમનાં ગાઈડ સુનંદા કહે છે, ’81 વર્ષની ઉંમરે કોઈ આવું થકવી નાખનારું કામ કઈ રીતે કરી શકે એ ખરેખર નવાઈની વાત છે, પણ મંદાકિની દ્રવિડ આ કામ કરીને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે. આ થિસિસમાં માનસિક રીતે બીમાર દર્દીઓની સંભાળના સંદર્ભમાં બાબતો તેમણે આવરી લીધી છે તે એટલી મહત્વની છે કે એક દિવસ એવો પણ આવશે કે આ થિસિસનું વાચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવી દેવાશે.’
આજે તેમની પુત્રવધૂ અને બે દૌહિત્રી 24 વર્ષીય સોનિયા અને 20 વર્ષીય મિતાલી મુંબઈમાં રહે છે. જીવનભર બીજાઓને ઉપયોગી થનારી આ મહિલા મંદાકિની દ્રવિડને 81 વર્ષની ઉંમરે એકલતા સાલે છે ખરી ? – જવાબમાં તેઓ કહે છે, જરાય નહિ. મને મારી જ કંપની પૂરતી છે.
Source:Read Gujarati
Monday, January 25, 2010
Examplary Life
Labels:
Examplary Life,
thought
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment