રાતોરાત ફેરફાર કરી નાખી, પાછી લોકમતની ગર્વિષ્ઠ મિથ્યા વાતો કરનારાઓની ઘણી ઘણી વાત કહી જાય છે, વિદુરનીતિની જન્મકથા. એ જન્મકથા આવી છે :
ધૃતરાષ્ટ્રને લાગ્યું કે બાર વર્ષના વનવાસને અંતે હવે પ્રગટ થઈને પાંડવો પોતાની વાત રજૂ કરવાના છે ત્યારે એમને મનાવવા માટે એમની પાસે મોકલ્યા. ધૃતરાષ્ટ્રે એમને કહેવરાવ્યું કે, ગમે તેમ તોય તમે પાંડુને કુંતિ જેવાના પુત્ર છો. તમારી પાસે તમારી સજ્જનતા છે. તમારું પરાક્રમ પણ તમારું જ છે. તમે આવતી કાલે ગમે ત્યાં રાજ જમાવી શકશો. દુર્યોધન અત્યંત હઠાગ્રહી છે. કોઈનુંય કહ્યું માને તેવો નથી. આવે સમયે જે સમજે તે સહે, એ એક જ રસ્તો છે – ધૃતરાષ્ટ્રનો આ સંદેશો સંજયે પાંડવોને કહ્યો. પણ પોતાની વાત ન્યાયની હોવા છતાં, સામો માણસ માને તેમ નથી માટે વાત છોડી દેવી એ સજ્જનતા ગણાય કે નિર્માલ્યતા એની ગડભાંગમાં પાંડવો પડી ગયા.
છેવટે યુધિષ્ઠિરે બધાની વતી જવાબ વાળ્યો : ‘સામ, દામ, ભેદ અને દંડ એ ચાર રસ્તા ન્યાયના છે. અમારે દામથી ન્યાય લેવો નથી. ભેદ જોઈતો નથી. સામથી માત્ર ન્યાયનું હોય તેટલું જ લેવું છે. પણ જ્યારે સામ કામ આપતો નથી ત્યારે જે દંડ લેતો નથી તે અન્યાયીને વધારે અન્યાયી અને જોહુકમીમાં માનનારો બનાવે છે. અને છેવટે એક દિવસ તો એને દંડ હાથમાં લેવો જ પડે છે. માટે તમે જઈને કહેજો કે પાંડવો સમાધાનમાં માને છે. પણ ન્યાયને ભોગે, સત્યને એક તરફ રાખીને, સમાધાન કરનારો માત્ર મૂર્ખ નથી, દુર્જન પણ છે; કારણ કે, એ દુર્જનતાને ઉત્તેજન આપે છે. પૈસા આપીને લૂંટારાને પાછો હાંકનારો જેમ મૂર્ખાઈની પરિસીમા બતાવે છે તેવી જ આ વાત છે. એટલે સમાધાન સૌથી પ્રથમ એમના દ્વારા જ કરવું છે. પણ એમ ન થાય તો પાંડવો દંડનીતિ ગ્રહણ કરવાના છે એ પણ નિશ્ચિત છે.’
આ સંદેશો લઈને સંજય ધૃતરાષ્ટ્રની પાસે ગયો. પણ એ હસ્તિનાપુર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. એણે વિચાર કર્યો કે અત્યારે રાજાને સંદેશો આપવા જતાં અર્થનો અનર્થ થશે. એક તો એની ઊંઘ ઊડી જશે. બીજું, કદાચ દુર્યોધનને અત્યારે જ બોલાવશે. એમાંથી તો વાત વધારે હઠે ચડશે. એટલે એને સવારે સંદેશો આપવો વધારે યોગ્ય છે. બે પક્ષ વચ્ચે જે સંદેશા-વ્યવહાર ચલાવે છે તેણે હંમેશાં સમયની વધારેમાં વધારે માવજત કરવાની હોય છે. એકનો એક સંદેશો સવારે આપો ને રાત્રે આપો એમાં હાથી-ઘોડાનો ફેર છે. જો કે પાંડવોએ તો તત્કાલ સંદેશો આપવાનું કહ્યું છે, પણ મારી ફરજ છે કે સંદેશો સવારે આપવો. તે ધૃતરાષ્ટ્ર પાસે ગયો ત્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું :
‘સંજય, શું સંદેશો છે ? પાંડવો માનશે કે નહિ ? કે પછી સર્વનાશનો પંથ હશે ?’
‘મહારાજ ! પાંડવોએ સંદેશો આપ્યો છે, પણ એ સંદેશો સવારે આપવા જેવો છે !’
‘અશુભ છે ?’
‘ના, અશુભ પણ નથી…. ને શુભ પણ નથી. બેમાંથી એ શું થશે – તેનો આધાર આપણા ઉપર છે.’
‘તો પછી કહેવામાં શો વાંધો છે ?’
‘મહારાજ ! સંદેશાનેય પોતાનો સમય હોય છે. હું તમને સવારે કહીશ.’
આટલું કહીને સંજય તો ઘેર ગયો. પણ એણે કોઈ સંદેશો ન કહ્યો; એટલે રાજા ધૃતરાષ્ટ્રનું મન ઉલટાનું ચગડોળે ચડ્યું. એને થયું કે આ વાતનો શું મર્મ છે તે વિદુર કહી શકશે. એટલે વિદુરજીને બોલાવ્યા. વિદુરજી સંજયની વાતને તરત સમજી ગયા. ભાવિ મહાન યુદ્ધની આગાહી એ સંદેશામાં એમણે જોઈ લીધી. પણ હવે પોતાનું એક કર્તવ્ય બનતું હતું. જ્યારે પોતે સમજી શક્યા છે કે યુદ્ધ આવી રહ્યું છે ત્યારે એમણે ધૃતરાષ્ટ્રને છેલ્લેછેલ્લો ઉપદેશ આપી દેવાનો ધર્મ બજાવવાનો હતો. કોઈ સમજે કે ન સમજે, માને કે ન માને, એમની પાસે જે હતું તે એમણે આપવું જ રહ્યું. એ વખતે રાતને સમયે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ શાંત રીતે ન્યાય અને સત્યની વાતનો ઉપદેશ આપ્યો. તમામ સંબંધો કરતાં સત્ય વધુ બળવાન છે એ વાત કહી. પુત્રપ્રેમ પણ સત્યની આડે આવે ત્યારે એ પુત્રપ્રેમ નથી એવી જે અદ્દભુત વાણી કહી – તે વાણી એ જ વિદુરનીતિ.
વિદુરનીતિનો જન્મ આ પ્રમાણે પુત્રમોહમાં પડેલા માણસને સત્ય આપવા માટે થયો હતો; હઠાગ્રહીને સત્ય સમજાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ સત્યાગ્રહ નથી કે ન્યાય નથી, સત્ય નથી કે બળ પણ નથી એ બતાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ હઠાગ્રહ છે. એ દુર્જનતા છે. એ હઠાગ્રહને રાજનીતિમાં જે પોષે છે કે વશ થાય છે તે છેવટે પ્રજાનો જ નાશ નોતરે છે.
source :http://www.readgujarati.com
Thursday, January 21, 2010
વિદુરનીતિનો જન્મ
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Wow
Good one
Nice to know, about this root of Vidur Niti
Post a Comment